કપડાયજ્ઞ

કપડાંની સફળયાત્રા
                             આપણા ઘરે જૂની વસ્તુઓ જેવી કે કપડાં, સ્વેટર, જૂતાં, ધાબળા, ટોપી, સ્કાર્ફ અને બીજુ ઘણું વણવપરાયેલું પડેલું હોય છે. બીજી બાજુ કેટલાંયે એવાં બાળકો છે જે આવી પાયાની વસ્તુઓના અભાવે તકલીફો ઉઠાવી રહ્યા હોય છે. આપણો એક નાનકડો પ્રયત્ન આપણી આવી બિનઉપયોગી વસ્તુઓને તેમના માટે મોકલી શકે છે. સહયોગીએ પોતાના વિસ્તારમાં (ગામ કે સોસાયટીમાં) ૬ થી ૧૦ વષૅ અને ૧૧ થી ૧૪ વષૅના છોકરા અને છોકરીઓ માટે કપડાં એકત્રિત કરવાનાં છે. ત્યાર બાદ આ કપડાંનું ઉપર જણાવ્યા પ્રમાણે ચાર વિભાગમાં વર્ગીકરણ કરી તૈયાર રાખવાનાં હોય છે.
                         કપડાયજ્ઞનાં લાભર્થી બાળકો મોટાભાગે દાહોદ, પંચમહાલ , વલસાડ અને બનાસકાંઠાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે. આ શાળાઓમાં અમારા કેટલાયે મિત્રો અને વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ ત્યાંથી ઑનલાઇન બાળકોની જરુરિયાત પ્રમાણે વસ્તુઓની માગણી કરે છે.
                  માગણી પ્રમાણે જે તે ગામમાં સહયોગીને ફૉન કરી કપડાંને યાદી પ્રમાણે થેલામાં (ખાતરના ખાલી થેલા કે અન્ય) મૂકી તેના પર જણાવ્યા પ્રમાણે માર્કરપેનથી વિગત લખીને તૈયાર રાખવાનું જણાવવામાં આવે છે.
                      કપડા સારથિ કપડાંને સહયોગી પાસેથી માગણી કરનાર શાળા સુધી પહોંચાડવાનું કામ કરે છે. તે આ તૈયાર કપડાં બસ કે અન્ય સાધન દ્વારા સહયોગીના ઘરેથી જ માગણી કરનાર શાળા સુધી પહોંચાડશે. આમ આ કપડાંની યાત્રા સહયોગી, સારથિ જોડેથી જરુરિયાતમંદ બાળકો પાસે પહોચી શકે છે. આપ અનુકૂળ હોય તે સેવા આપી શકો છો.