જ્ઞાનયજ્ઞ

નમસ્કાર, વાંચન માનવને વિચારતો કરી મૂકે છે. વળી, વાંચન નવીન વિચારોને પ્રોત્સાહિત કરી નવતર અભિગમ માટેની તક પૂરી પાડે છે. આપણો હેતુ માઇક્રો લેવલે વ્યક્તિગત સંપર્ક કરી પુસ્તકો પહોચાડી વાંચનનો રસ જાગૃત કરી હકારાત્મક અભિગમ કેળવવાનો છે. જે માટે સહિયારો સર્વોદય દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવે છે.

જ્ઞાનયજ્ઞ
શીખેલાનો કરીએ સરવાળો

કુદરત દ્વારા અનૌપચારિક રીતે મળતી કેળવણી પર કોઇની પાબંધી હોતી નથી. વ્યક્તિ પ્રત્યેકક્ષણે વાતાવરણ સાથેના વ્યવહારના અનુભવથી જાણ્યે-અજાણ્યે પ્રભાવિત થતો જ હોય છે અને સતત મૂલ્ય ઘડતર થતું હોય છે. આ તદન સાહજિક પ્રક્રિયા છે. બાળકોનો સંતુલિત શારીરિક, માનસિક, સામાજિક, સાંસ્કૃતિક, સાંવેગિક વિકાસ થાય તે માટે પ્રેમાળ અને સાહજિક વાતાવરણ મળવું અનિવાર્ય છે. આવા સુખદ અનુભવો હકારાત્મક અને દુ:ખદ અનુભવો નકારાત્મક વ્યક્તિત્વ ઘડતર કરે છે. વ્યક્તિ પોત-પોતાના જુદા-જુદા મૂલ્યઘડતરને કારણે જ જુદી-જુદી પસંદગી ધરાવે છે અને ભિન્ન-ભિન્ન બાબતોને મહત્વ આપે છે. માતા-પિતા અને શિક્ષકોનું વર્તન ખૂબ જ ઝડપથી બાળકોમાં ઉતરી આવે છે. બાળવર્તનનાં બીજ મજબૂત છોડ બને છે અને સમાજને જુદા-જુદા અનુભવ પ્રમાણે ઘડાયેલ ભિન્ન-ભિન્ન અભિગમ ધરાવતા નાગરિકો પ્રાપ્ત થાય છે.

જ્ઞાનયજ્ઞમાં સહયોગી મિત્રો પોતાની સેવાઓ શિક્ષણ, નાટ્યક્લા, નૃત્ય કલા, ચિત્રકલા, સ્પોર્ટસ,પદયાત્રા, શિબિરો વગેરે જેવા વિભાગોની પ્રવૃતિઓમાં પોતાના અનુકૂળ સમયે આપી શકે છે. ઉપરોક્ત પ્રવૃતિઓ શાળા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ કે અન્ય સાર્વજનિક સ્થળે થતી હોય છે. આપ ગમે તે વ્યવસાય કરતા હોવ પણ આપના રસના ક્ષેત્ર પ્રમાણે જોડાઇ શકો છો અને આપના સમયનું વાવેતર કરી બાળકોના વિકાસમાં સહભાગી બની શકો છો.